લકવો જુદાં જુદાં કારણોને લીધે થતો હોવાથી તેનાં લક્ષણો પણ જુદાં જુદાં હોય છે અને એક્યુપંક્ચરથી દરેક કેસમાં કેવું પરિણામઆવશે તેનો આધાર કયાં કારણોથી લકવો થયો છે તેના ઉપર પણ રહે છે. આથી જ દર્દીની પૂરી તપાસ કરાવી તેનું યોગ્ય નિદાન થાય પછી જ એક્યુપંક્ચર કરવામાં આવે છે. એટલું જ નહિ પણ ફિઝિશિયનને બતાવી ઍલૉપથીની જે તે દવા પણ સાથે ચાલુ રાખવામાં આવે છે.
દમ, આધાશીશી, કોઈ પણ પ્રકારનો વા, કમરનો દુખાવો, સાયેટિકા વગેરે રોગોમાં એક્યુપંક્ચર ચાલુ કર્યા પછી ધીમે ધીમે દર્દી બીજી દવા લેતો હોય તો તે બંધ કરી શકે છે તેવું આમાં થતું નથી. પણ ફિઝિશિયનની સલાહ લીધા પછી જ દવામાં ફેરફાર કે ઘટાડો કરવાનું દર્દીને કહેવામાં આવે છે.
સ્નાયુની શક્તિનો ચાર્ટ
એક્યુપંક્ચર શરૂ કરતાં પહેલાં લકવાને લીધે દરેક સ્નાયુ ઉપર કેટલી અસર થઈ છે તે જાણવા માટે સ્નાયુની શક્તિનો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે. આના માટે સ્નાયુની શક્તિને શૂન્યથી પાંચ નંબર સુધી ગણવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે.
ગ્રેડ સ્નાયુશક્તિ
૦ સહેજ પણ હલનચલનનો અભાવ
૧ બહુ જ થોડું હલનચલન
૨ ગુરુત્વાકર્ષણને બાદ કરતાં થતું હલનચલન (ગ્રેવિટી એલિમિનેટિંગ)
૩ ગુરુત્વાકર્ષણની સામે થઈ શક્ત હલનચલન
૪ થોડા પ્રતિકારની સામે થતું હલનચલન
૫ સામાન્ય (નોર્મલ)
જેમ દર્દીને લકવામાં સ્નાયુની શક્તિ વધુ હોય, જેમ ઓછા સમયથી લકવો થયો હોય તેમ જલદી સારું થઈ જાય છે. હાથ અને પગ બંનેનો લકવો થયો, હોય, અથવા પગનો જ લકવો થયો હોય તો દર્દીને સુવાડીને હાથપગમાં ચોક્કસ જગ્યાએ સોય મારવામાં આવે છે. જો માત્ર હાથનો જ લકવો હોય તો દર્દીને બેસાડીને સોય મારવામાં આવે છે.
આ સોયને ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટરથી ઉત્તેજિત કરવામાં આવે છે. આશરે એક કલાક સુધી રોજ આ રીતે કરવામાં આવે છે. મોટા ભાગે માત્ર દસ દિવસની સારવારમાં જ દર્દીને સુધારો જણાય છે. જો કોઈ કેસમાં દર્દીને લકવાની અસર ખૂબ વધારે પ્રમાણમાં થઈ હોય તો તેને દિવસમાં બે વખત પણ સારવાર આપી શકાય છે. જો તે સારવાર લેવા આવી શકે તેમ ન હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવે છે.
હાથ પગના લકવાના દર્દીને બેસાડીને અથવા સુવાડીને સારવાર આપવામાં આવે છે.



