એક્યુપંક્ચર લકવાના દર્દી માટે એક નવી આશા સમાન છે. કારણ કે લકવામાં તેનાથી ખૂબ ઝડપથી, ઓછા ખર્ચે, સુધારો થઈ શકે છે.
લકવો માત્ર એક હાથનો અથવા એક પગનો થઈ શકે છે, બંને હાથનો થઈ શકે છે, શરીરની ડાબી કે જમણી બાજુના હાથપગનો થઈ શકે છે. કોઈ વાર એક બાજુનો હાથ અને બીજી બાજુનો પગ આવી રીતે પણ લકવો થઈ શકે છે. ઘણીવાર હાથપગના લકવાની સાથે જ ચહેરાનો લકવો પણ થતો હોય છે. એજ રીતે અમુક કેસોમાં માત્ર ચહેરાનો લકવો જ થતો હોય છે. અહીં આપણે હાથપગના લકવા વિષે જોઈશું.
હાથપગનો લકવો થવાનાં વિવિધ કારણો છે. મોટી ઉંમરના માણસમાં થતા લકવામાં સેરિબ્રલ હેમરેજ, થ્રોમ્બોસીસ કે એમ્બોલિઝમમુખ્ય કારણ હોય છે અને મોટા ભાગના દર્દીને લોહીનું ઊંચું દબાણ હોય છે. આ ઉપરાંત માથામાં કે કરોડમાં ઈજા થવાથી, મેનિન્જાઈટિસ, ટી.બી જેવા રોગોને લીધે, તેમજ ડાયાબિટીસ, મગજની ગાંઠ (ટ્યૂમર), પોલિન્યુરાઈટિસ વગેરે કારણોને લીધે પણ લકવો થઈ શકે છે.
એક્યુપંક્ચર શબ્દનો શો અર્થ થાય છે ?
“એક્યુપંક્ચર’ એ લેટિન ભાષાનો શબ્દ છે. Acupuncture સંજ્ઞામાં બે શબ્દો સમાયેલા છે. Acus અને Pungus, Acusનો અર્થ છે સોય અને Pungusનો અર્થ છે છિદ્ર અથવા કાણું પાડવું. આમાં શરીરનાં ચોક્કસ બિંદુઓ પર સોય મારીને, માનવશરીરમાં વહેતા શક્તિના પ્રવાહની ગતિને નિયમિત બનાવીને રોગ મટાડવામાં આવે છે. લકવાના દર્દીને આમાંથી ખાસ પસંદ કરેલ પોઈન્ટ ઉપર સોય લગાવી સારવાર આપવામાં આવે છે.
એક્યુપંક્ચર સારવાર કઈ રીતે કરવામાં આવે છે?
આ પદ્ધતિમાં જુદા જુદા રોગો માટે જુદા જુદા પોઈન્ટ ઉપર સોય મારવામાં આવે છે. સોય માર્યા પછી એની સાથે વાયર જોડી, ઈલેક્ટ્રોસ્ટીમ્યુલેટર નામના સાધન વડે પૉઈન્ટ ઉત્તેજિત કરવામાં આવે છે. આ પ્રમાણે સામાન્ય રીતે આશરે ૧ કલાક સુધી સોયને ઉત્તેજિત કરવામાં આવે છે. મોટા ભાગના રોગોમાં આ રીતે, રોજનું એક સીટિંગ એમ દસ દિવસ સુધી સારવાર આપવામાં આવે છે. વધુ તકલીફ હોય તો દિવસમાં બે વખત સારવાર આપવામાં આવે છે.
પછી દર્દીને ફરીથી તપાસવામાં આવે છે અને જરૂર જણાય તો ફરીથી, જરૂરી જણાય તેટલા દિવસ એક્યુપંક્ચર કરવામાં આવે છે.
એક્યુપંક્ચરમાં સોયને ૧ કલાક સુધી ઉત્તેજિત કર્યા પછી એને કાઢી લેવામાં આવે છે. એ પછી તરત દર્દી ઘેર જઈ શકે છે.
આ સોય લગાવતાં પહેલાં દર્દીને ઘેનનું કે એવું બીજું કોઈ ઈંજેકશન આપવામાં આવતું નથી.
જીવાણુરહિત કરવા (સ્ટરિલાઈઝેશન) માટે સોયને ફોર્મેલીન ચેમ્બરમાં રાખવામાં આવે છે અને સોય લગાવતા પહેલાં જેમ ઈંજેકશન મારતા પહેલાં દર્દીના શરીર પર સ્પિરિટ લગાડવામાં આવે છે તેમ સ્પિરિટ લગાડવામાં આવે છે, તેમજ સોય કાઢતી વખતે પણ સ્પિરિટ લગાડવામાં આવે છે



