એક્યુપંક્ચર સારવારની ખાસ વિશિષ્ટતા શું છે ?
એક્યુપંક્ચરની સારવારમાં ચોક્કસ પોઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે અને તે શરીરમાં ઊંડે સુધી જાય છે. વળી એક સાથે આવાં અનેક પોઈન્ટ ઉપર સોય લગાવી શકાય છે. તેમજ તેને ઈલેક્ટ્રાસ્ટીમ્યુલેટર વડે ઉત્તેજિત કરવામાં આવે છે. તેથી તેની તીવ્રતા, ગતિ વગેરે એકદમ ચોક્કસ રહે છે. આમાં દરેકે દરેક પોઈટ ૧ કલાક સુધી ઉત્તેજિત થાય છે.
આની સામે જે પ્રચલિત સારવાર પદ્ધતિ છે જેમકે | ફિજીયોથેરેપી, કસરત અથવા એક્યુપ્રેશર વગેરેમાં જે તે જગ્યાએ માત્ર બહારથી જ સારવાર અપાય છે.
વળી તેમાં એક સાથે બધી જગ્યાની (જેમકે હાથ-પગ અથવા હાથપગના જુદા જુદા ભાગો જેમકે થાપો, ઢીંચણ, એડી વગેરે) કસરત નથી થતી પણ વારાફરતી જે તે ભાગની કસરત થાય છે. એટલે જો એક કલાક સારવાર આપવામાં આવે તો પણ કોઈ ચોક્કસ ભાગની કસરત ખરેખર જોવા જઈએ તો માત્ર પાંચ દસ મિનિટ જ કે તેથી થોડા વધારે સમય માટે થતી હોય છે. આથી બીજી કોઈ પણ પદ્ધતિ કરતાં એક્યુપંક્ચર વધુ અસરકારક થઈ શકે છે.
વળી એક્યુપંક્ચરની ખાસ વિશિષ્ટતા એ છે કે તેમાં દર્દીએ અથવા દર્દીનાં સગાંએ કંઈ પણ કરવાનું હોતું નથી તેમજ દર્દીને કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો પડતો નથી. કારણકે દર્દીને બેસાડીને અથવા સુવાડીને સોય લગાવી દીધા પછી ઈલેક્ટ્રોસ્ટીમ્યુલેટરના વાયર જોડી તેને ઉત્તેજિત કરવામાં આવે છે ત્યારે આ તમામ કામ મશીનની મદદથી થતું હોવાથી દર્દીને જરા પણ શ્રમ કરવો પડતો નથી. ઉપરથી ઘણીવાર દર્દીને સુવાડીને એક્યુપંક્ચર કરવામાં આવે ત્યારે સારવાર દરમિયાન જ તે સૂઈ ગયેલો માલૂમપડે છે.
આથી હૃદયરોગ કે એવી કોઈ તકલીફથી પીડાતો દર્દી કે જે લકવા માટે કસરત કરવામાં પડતો શ્રમ સહન કરી શકે તેમ ન હોય તે પણ આ સારવાર લઈ શકે છે.
એક્યુપંક્ચરમાં શરીરની પોતાની જીવનશક્તિને કાર્યરત કરીને તે દ્વારા રોગ મટાડવામાં આવે છે. આથી આમાં બહારથી દર્દીને કંઈ પણ આપવું પડતું નથી. વળી આમાં દર્દીને કોઈ ખાસ પરેજી પાળવી પડતી નથી. તેમજ દર્દી લોહીના દબાણ, મધુપ્રમેહ વગેરે માટે જો કોઈ દવા લેતો હોય તો તે પણ આની સાથે ચાલુ રાખી શકાય છે.
આમ તમામ રીતે જોતાં આ પદ્ધતિ ખૂબ સરળ, જોખમરહિત અને અસરકારક છે. વળી તેમાં કોઈ પણ જાતનું નુકસાન નથી. તેમજ ગમે તેટલા વર્ષ જૂના કેસમાં પણ તેનાથી પરિણામ મળવાની શક્યતા રહે છે. તો લકવા જેવા રોગથી નિરાશ થઈને બેસી રહેવા કરતાં આ પદ્ધતિથી સારવાર શા માટે ન લેવી જોઈએ?



