ક્યા પ્રકારના લોકોમાં ઢીંચણનો દુખાવાનો જોવા મળે છે?
આ જાતનો વા મેદસ્વી એટલે કે જાડા માણસોમાં વધુ જોવા મળે છે. દુખાવાને લીધે દર્દી હલનચલન બને એટલું ઓછું કરતો હોવાથી તેનું વજન ધીમે ધીમે વધતું જાય છે. વધારે પડતો શ્રમ અને શરીરને યોગ્ય સ્થિતિમાં રાખ્યા વિના કરવામાં આવતું કામ પણ ઘસારાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. વળી ૪૦ થી ૫૫ વર્ષની ઉંમરની મેનોપોઝલ પિરિયડવાળી સ્ત્રીઓમાં આ તકલીફ ખાસ જોવા મળે છે.
આ દુઃખાવાનું પ્રમાણ સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે તેનું શું કારણ છે?
સ્ત્રીઓમાં ખાસ કરીને મોટી ઉંમરમાં, મેનોપોઝ પછી શરીરમાં હોર્મોન્સમાં જે ફેરફાર આવે છે તેમાં કેલ્શિયમની માત્રા ખૂબ જ ઓછી થઈ જાય છે, અને હાડકાં પોચા પડી જાય છે, જેને ઓસ્ટીઓપોરોસીસ કહેવાય છે. તેથી પણ ઘસારો થાય છે.
આ ઉપરાંત, બેઠાડુ જીવન, કામ કરવાની પદ્ધતિ, ઉઠવા બેસવાની રીત, વધારે પડતું વજન વગેરે કારણો પણ જવાબદાર છે.
એક્યુપંક્ચર સારવાર કેવી રીતે આપવામાં આવે છે ?
કોઈ પણ પ્રકારના વામાં એક્યુપંકચર ખૂબ લાભદાયી છે. હાડકાંના ઘસારાને કારણે થતા વામાં પણ આ સારવાર
પદ્ધતિથી સારું થઈ શકે છે. આવા કેસમાં દર્દીને સોય ક્યાં આગળ લગાડવી અને કેટલી લગાડવી તે દર્દીની તકલીફ કયા પ્રકારની છે તે જોયા પછી જ નક્કી કરવામાં આવે છે. ઢીચણમાં તેમજ અમુક કેસોમાં એડીમાં અને ઢીંચણની પાછળના ભાગમાં સોય લગાડવામાં આવે છે.
એક્યુપંક્ચરમાં વપરાતી સોય ખૂબ પાતળી હોય છે. તેના દ્વારા શરીરમાં કોઈ પ્રવાહી દાખલ કરવાનું હોતું નથી. આથી તેની ધાર તીક્ષ્ણ બની શકે છે. જેથી દર્દીને સોય લગાડવાથી જરા પણ દુખાવો થતો નથી.
સોય લગાડયા પછી, ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટર નામના સાધનના વાયરો અમુક સોય સાથે જોડી તેના દ્વારા એક્યુપંક્ચર પોઈન્ટ ચોક્કસ સમય સુધી ઉત્તેજિત કરવામાં આવે છે. સમય પૂરો થાય એટલે સોય કાઢી લેવામાં આવે છે.
સોય લગાડેલ ભાગને સોયના ઉપયોગ પહેલાં અને પછી, બંને વાર સ્પિરિટથી સાફ કરવામાં આવે છે.
દર્દીને તપાસીને જરૂર પ્રમાણે દિવસમાં સામાન્ય રીતે ૧થી ૨ કલાકની સારવાર આપવામાં આવે છે. મોટા ભાગના કેસોમાં દર્દીને દસ દિવસમાં ફાયદો જણાય છે.
એક્યુપંકચર સાથે દવા લઈ શકાય છે. જો કોઈ દર્દી લાંબા સમયથી દવા લેતો હોય તો તેને ધીમે ધીમે બંધ કરવામાં આવે છે.



