સુંદર ચહેરો જોતાવેંત જ દરેકને આનંદ થતો હોય છે તો હાસ્ય, રુદન, ગુસ્સો વગેરે હાવભાવ પણ ચહેરા પરથી જ વ્યક્ત થતા હોય છે. જયારે ચહેરાનો લકવો થાય ત્યારે માનવી કોઈની સામે જતાં ખૂબ સંકોચ અનુભવે છે. ભલે મોટી ઉંમરે આ પ્રકારનો લકવો થયો હોય તો પણ તેને બીજા સાથે વાતચીત કરવામાં, મળવામાં ખૂબ મુશ્કેલી અનુભવવી પડે છે. એક્યુપંક્ચર આ પ્રકારના કેસોમાં ખૂબ જ ઝડપથી પરિણામઆપે છે. વળી ગમે તેટલા વર્ષ જૂનો કેસ હોય તો પણ તેમાં એક્યુપંક્ચરથી સુધારો થઈ શકે છે.
શરીરમાં આવેલા અનેક જ્ઞાનતંતુઓમાંથી ફેશિયલ નર્વનો લકવો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. વળી લકવાની શરૂઆતમાં અથવા ધીમે ધીમે થતા સુધારા વખતે કલોનિક અથવા ફેબ્રિલરી ટવિચીસ લકવાનો ભોગ બનેલા સ્નાયુમાં જોવા મળે છે, જે બીજા કોઈ જ્ઞાનતંતુના લકવામાં જોવા મળતું નથી.
સેરિબલ વાસ્ક્યુલર ઍકિસડન્ટ, હર્પિસ, પેરોટિડ ગ્રંથિની ગાંઠ, પોલિયો, ટિટેનસ, લેપ્રસી, કાનના અમુક રોગો તેમજ ખૂબ ઠંડી લાગી જવી વગેરે કારણોને લીધે આ જાતનો લકવા થઈ શકે છે. અપર મોટર ન્યુરોન પ્રકારના મોંના લકવા કરતા લોઅર મોટરન્યુરોન પ્રકારનો ‘બેલ્સ પાલ્સી’ જાતનો મોંનો લકવો સૌથી વધુ જોવા મળે છે.
ચહેરાના લકવાના કેસમાં એક્યુપંક્ચર સારવાર કઈ રીતે આપવામાં આવે છે ?
એક્યુપંક્ચરથી ચહેરાના લકવાના કેસમાં આશ્ચર્યજનક ઝડપે સુધારો થાય છે. તરતના કેસમાં તો ઘણી વાર દસથી પંદર દિવસમાં જ સંપૂર્ણ સારું થઈ જાય છે. ઘણા લાંબા સમયથી લકવો થયો હોય તો પણ દર્દીને સામાન્ય રીતે દસ દિવસમાં જ અચૂક સુધારો થતો જોવા મળે છે. ચહેરાના લકવામાં દર્દીને બેઠા બેઠા જ સોય લગાડવામાં આવે છે જેમાં આંખની ઉપર કપાળ પાસે, ચહેરા પર અને કાનની પાસે સોય લગાવવામાં આવે છે તેમજ હાથમાં પણ અમુક પૉઈન્ટ ઉપર સોય લગાવવામાં આવે છે. પછી તેને ઈલેક્ટ્રોસ્ટિમ્યુલેટર વડે સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે જે એક કલાક સુધી રાખવામાં આવે છે. સોય કાઢ્યા પછી દર્દી ઘરે જઈ શકે છે. જો દર્દીને હાથ કે પગના અથવા બંનેના લકવા સાથે આ તકલીફ હોય તો તે સર્વે માટે એક સાથે જ સારવાર થઈ શકે છે. તેમાં અનુકૂળતા પ્રમાણે દર્દીને બેસાડીને અથવા સુવાડીને સોય લગાવવામાં આવે છે. હાથ-પગના લકવા કરતાં મોંના લકવામાં દર્દીને ઘણી ઝડપથી સારું થઈ જાય છે. સોય ગાલ, કપાળ જેવા નાજુક ભાગ ઉપર લગાવવા છતાં દર્દીને વેદના થતી નથી. આમ એક્યુપંક્ચર મોના લકવાના કેસમાં ખૂબ અસરકારક, સરળ અને ઝડપી પરિણામ આપનારી ચિકિત્સાપદ્ધતિ છે



